Title

જળકમળ છાંડી જાને બાળા

Narsinh Mehta

જળકમળ છાંડી જાને બાળા

સ્વામી અમારો જાગશે

જાગશે, તને મારશે

મને બાળહત્યા લાગશે

 

કહે રે બાળક તું મારગ ભૂલ્યો?

કે તારા વેરીએ વળાવીયો?

નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો

અહીંયા તે શીદ આવિયો?

 

નથી નાગણ હું મારગ ભૂલ્યો

કે મારા વેરીએ વળાવિયો

મથુરા નગરીમાં જુગટુ રમતાં

નાગનું શીશ હારિયો

 

રંગે રૂડો, રૂપે પુરો

દીસંતો કોડિલો કોડામણો

તારી માતાએ કેટલા જનમ્યાં

તેમાં તું અળખામણો

 

મારી માતાએ બેઉ જનમ્યાં

તેમાં હું નટવર નાનડો,

જગાડ તારા નાગને

મારું નામ કૃષ્ણ કાનુડો

 

લાખ સવાનો મારો હાર આપું

આપું હું તુજને દોરિયો

એટલું મારા નાગથી છાનું

આપું તુજને ચોરિયો

 

શું કરું નાગણ હાર તારો ?

શું કરું તારો દોરિયો ?

શાને કાજે નાગણ તારે

કરવી ઘરમાં ચોરીઓ ?

 

ચરણ ચાંપી, મૂછ મરડી

નાગણે નાગ જગાડિયો

ઉઠોને બળવંત કોઇ

બારણે બાળક આવિયો

 

બેઉ બળિયા બાથે વળગ્યાં

કૃષ્ણે કાળીનાગ નાથિયો

સહસ્ત્ર ફેણ ફુંફવે

જેમ ગગન ગાજે હાથિયો

 

નાગણ સહુ વિલાપ કરે છે

નાગને બહુ દુ:ખ આપશે

મથુરા નગરીમાં લઇ જશે

પછી નાગનું શીશ કાપશે

 

બેઉ કર જોડી વિનવે

સ્વામી ! મુકો અમારા કંથને

અમે અપરાધી કાંઇ ન સમજ્યાં

ન ઓળખ્યાં ભગવંતને

 

થાળ ભરીને નાગણ સર્વે

મોતીડે કૃષ્ણ વધાવિયો

નરસૈંયાના નાથ પાસેથી

નાગણે નાગ છોડાવિયો